ગુરુવાર, 15 મે, 2014

Good Thought

એક વખત એક ગધેડો માલિકના ઘરેથી નીકળીને ચાલતા-ચાલતા ગામની ભાગોળે પહોંચ્યો. ગામના પાદરમાં એક નાનો કુવો હતો જેમાં પાણી નહતુ અને લોકો તેમાં કચરો ફેંકતા. પેલો ગધેડો આ કુવામાં પડી ગયો અને ભોંકવા લાગ્યો. કોઇએ ગધેડાના માલિકને જઇને ગધેડો કુવામાં પડી ગયો છે તે સમાચાર આપ્યા. માલિક તો સમાચાર મળતા જ મનમાં મલકાયો.

                આમ પણ આ ગધેડો એને ભારરુપ લાગતો હતો કારણકે ઉંમરને કારણે એ કોઇ કામ કરી શકતો નહોતો. માલિકે વિચાર્યુ કે ગધેડાને કુવામાંથી બહાર કાઢીશ તો એને સાચવવો પડશે એના કરતા આ સરસ તક મળી છે કુવામાં માટી નાખીને કુવાને પુરી દઉં એટલે ગધેડો પણ દટાઇ જશે. માલિક કુવા કાંઠે પહોંચ્યો અને કુવામાં પડેલા ગધેડા સામે જોયુ. ગધેડાને લાગ્યુ કે માલિક બચાવવા આવ્યા છે એટલે એણે ભોંકવાનુંબંધ કર્યુ. થોડીવારમાં ઉપરથી માટી પડવાની શરુ થઇ એટલે ગધેડાને માલિકનો ઇરાદો સમજાઇ ગયો.
                ગધેડાએ કોઇપણ જાતનો વિરોધ કર્યો નથી અને ડર્યો પણ નહી. એણે એક નવો નુસખો અજમાવ્યો. એમના પર પડેલી માટીને એ ખંખેરી નાખે એટલે માટી નીચે જતી રહે પછી એ જ માટી પર પોતે ઉભો રહી જાય. ધીમે ધીમે કુવો પુરાવા લાગ્યો અને ગધેડો પણ ઉપર આવવા લાગ્યો. માલિક તો એમ જ માનતો હતો કે ગધેડા પર નાંખેલી આ માટી નીચે દબાઇને ગધેડો મરી ગયો હશે. કુવામાં ઘણી બધી માટી પુરાવાથી ગધેડો ઉપર આવી ગયો અને કુદીને કુવાની બહાર પણ નીકળી ગયો. માલિક તો ફાંટી આંખે ગધેડા સામે જોઇરહ્યો.
                મિત્રો , ઇર્ષાથી બળી રહેલા કેટલાય લોકો આપણને નુકશાન કરવાના ભાવથી આપણા વિષે એલફેલ બોલે છે અને સમાજમાં આપણને નીચે પાડવાનો પ્રયાસ કરે છે આવા લોકોની સામે લડવાને બદલે એમણે આપણા પર નાંખેલા આ શબ્દોને ખંખેરીને એના જઉપયોગ દ્વારા ઉપર આવી જવું.